સખી, આંખોનું આયખું તો કેટલું?

Comments Off on સખી, આંખોનું આયખું તો કેટલું?

 

 

સખી, આંખોનું આયખું તો કેટલું?
મારા વ્હાલમને જોઈ રહું, એટલું

આંખો તો આંગણું ને આંખો તો ઉંબરો
ને આંખો તો સોણલાની કેડી
આંખો તો ઓસરીને આંખો તો ઓરડો
ને આંખો તો સોણલાની મેડી
સખી, સોણલાનું આયખું તો કેટલું?
ઝીણા ઝાકળમાં સૂર્ય હસે એટલું?

આંખો ને સોણલાને પળનો સંબંધ
તોય સોણલા તો આંખોની સ્હાયબી
સોણલા વિનાની આંખ, જાગ્યાનું નામ
સખી, સોણલા તો આંખની અજાયબી
વ્હાલ ઝરમરતું સોણલામાં કેટલું?
હું તો નખશિખ ભીંજાઈ રહું એટલું !

– તુષાર શુક્લ

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : માલવ દિવેટિઆ

તમે… લાગણીની લાવણીમાં દિવસ અને રાતની

Comments Off on તમે… લાગણીની લાવણીમાં દિવસ અને રાતની

 

 

તમે… લાગણીની લાવણીમાં દિવસ અને રાતની
છાની છાની છાવણીમાં અંગ અંગરંગરંગ નાહ્યાં
તે અમે, આધેના અણસારા ચાહ્યાં…..
તમે લાગણીની લાવણીમાં……….

રંગના કૂંડાળેથી જોતી બે આંખ આજે
રાધાના અંબોડે ઝૂલે
ચહેરાને ઢાંકતા આ મોર તણાં પીંછામાં
આંખડિયો આંસુને ભૂલે
મારી આ આંખડીમાં અટવાયા આંસુ ને
તારી તે કેટલી રે માયા
કે અમે…… આઘેના અણસારા ચાહ્યાં…..
તમે લાગણીની લાવણીમાં…….

સાત સાત ધોધ તણાં ઘૂમટામાં તરી રહી
જળકન્યા સાત રંગ ભીની
પરસાળે હિંચતી બે આંખો તો કલ્લોલી
શ્યામ તણી બંસરીયો ધીમી,
સૂરના સરોવરમાં તરતી એક નાવ ઉપર
ઢળતી કદમ્બ તણી છાયા
ને અમે…… આઘેના અણસારા ચાહ્યાં……
તમે લાગણીની લાવણીમાં…….

-જગદીશ જોષી

સ્વરઃ આરતી મુનશી
સ્વરાંકન : માલવ દિવેટિઆ

દી’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું સખી

Comments Off on દી’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું સખી

 

 

દી’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું સખી
સળિયું ભાંગીને રાત કાઢી ને સાહ્યબો આવ્યો નહીં
હો સખી…… સાહ્યબો આવ્યો નહીં……..

સાથિયોપૂરું તો એને ઉંબર લઈ જાય
અને તોરણ બાંધુ તો એને ટોડલાં
કાજળ આંજુ તો થાય અંધારાઘોર અને
વેણી ગૂંથું તો પડે ફોડલાં
દી’ આખ્ખો પોપચામાં શમણું પાળ્યું,
સખી, પાંપણ લૂછીને રાત કાઢી ને
સાહ્યબો આવ્યો નહીં
હો સખી…… સાહ્યબો આવ્યો નહીં………

ઓશીકે ઉતરીને આળોટી જાય
મારા સૂના પારેવડાની જોડલી
નીંદરના વ્હેણ સાવ કોરાધાકોર
તરે ઓશિયાળા આંસુની હોડલી
દી’ આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું
સખી, પાંગત છોડીને રાત કાઢી ને
સાહ્યબો આવ્યો નહીં…..

-વિનોદ જોશી

સ્વર :ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : માલવ દિવેટિઆ

જળને કરું જો સ્પર્શ તો

Comments Off on જળને કરું જો સ્પર્શ તો

 

 

જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ
સોનલ, આ તારા શ્હેરને એવું થાય  છે  શું ?

ખાબોચિયાની જેમ પડયાં  છે   આ   ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે છે તું ?

પીડા   ટપાલ    જેમ    મને   વહેંચતી   રહે,
સરનામું   ખાલી   શ્હેરનું   ખાલી    મકાનનું.

આ  મારા  હાથ હાથ નહીં વાદળું જો હોત
તો આંગળીની  ધારે   હું  વરસી શકત બધું.

પ્રત્યેક    શેરી   લાગે    રુંધાયેલો   કંઠ   છે.
લાગે   છે   હર    મકાન   દબાયેલું    ડૂસકું..

ટાવરના   વૃક્ષે   ઝૂલે  ટકોરાનાં  પકવ  ફળ,
આ   બાગમાં  હું  પાંદડું   તોડીને  શું  કરું ?

આખું   શહેર  જાણે મીંચાયેલી  આંખ  છે,
એમાં   રમેશ, આવ્યો છું સપનાની જેમ  હું.

-રમેશ પારેખ

સ્વરઃ ભદ્રાયુ ધોળકિયા
સ્વરાંકન : ભદ્રાયુ ધોળકિયા

સૌજન્ય :સંજય રાઠોડ સુરત

ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી

Comments Off on ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી

 

 

ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી
રે આ વાત અચાનક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ ગગન

મનડું મારૂં માનસરોવર
આવ આવ ઓ હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી ઝબકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ ગગન

પવન લહર આ પ્રીત બાવરી
નાચત હલકી હલકી
નિશગંધાની સોડ તજીને
મઘમઘ સોડમ છલકી
ભરભર મિલન ગીતની મટકી
રે આ વાત અચાનક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ ગગન

– વેણીભાઈ પુરોહિત

સ્વરઃ જગજીતસિંગ અને સુમન કલ્યાણપુર
સ્વરાંકન : અજીત મર્ચન્ટ

Older Entries Newer Entries

@Amit Trivedi