ગીત કેરી સાદગીમાં

No Comments

ગીત કેરી સાદગીમાં આવજે,
પ્રીત કેરી બંદગીમાં આવજે.

આવડે નાં ગીત ગઝલો પ્રેમની,
તોય મારી જીંદગીમાં આવજે.

હૈયુ તરસે પ્રિયતમની આશ માં,
ફુલ બની તું તાજગીમાં આવજે .

છોડ દુનિયાની ખરી-ખોટી રસમ
એય દિલ ! દીવાનગીમાં આવજે

આંખ અંજાશે ઘણી, આ રૂપથી,
ખ્વાબમાં પણ ખાનગી માં આવજે.

-પ્રશાંત સોમાણી

સ્વરઃ શૌનક પંડ્યા
સ્વરાંકન :શૌનક પંડ્યા

રાધા હું રે પુકારું

No Comments

રાધા હું રે પુકારું મારી દ્વારિકામાં
કે મને મારી રાધા વિણ સુનું સુનું લાગે
રાધા હું રે પુકારું મારી દ્વારિકામાં

વૃંદાવનની વાટે તરસે મારી આંખો
રાધા તારી યાદો ને આવી જાણે પાંખો
રાધા રાધા રાધા રાધા રટતો હું એકધારો

રાધા પાયલના પડઘા મારી દ્વારકામાં
રાધા મુરલી રડે છે મારી દ્વારિકામાં

-સાંઈરામ દવે

સ્વરઃ પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : પાર્થિવ ગોહિલ

એકથી બે ભલા

No Comments

એક થી બે ભલા, બાર ભલા ચારથી,
સાથ ને સંગાથથી, સંપ ને સહકારથી,
ઓછા અશક્ત પણ, બનતા બળીયા ઘણા.
ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ રળિયામણા

એક થી બે ભલા, બાર ભલા ચારથી,
સાથ ને સંગાથથી, સંપ ને સહકારથી,
ઓછા અશક્ત પણ, બનતા બળીયા ઘણા.
ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ રળિયામણા

આકરો જ્યાં આઘાત હોય, પ્રચંડ જ્યાં ઝંઝાવાત હોય,
સંગઠિત શક્તિ જ ત્યાં, સંઘની તાકાત હોય,
વિરાટને પણ જંગમાં હંફાવતા મળી વામણા,
ઝાઝા હાથ રળિયામણા, ઝાઝા હાથ રળિયામણા.

-શ્યામલ મુનશી

સ્વર : શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકનઃ શ્યામલ મુનશી

રાહ જોતા હું કોઈની

No Comments

રાહ જોતા કોઈની હું સૂઈ ગયો’તો ને પછી –
એક રસ્તો જાગતો બેસી રહ્યો’તો ને પછી –

કોઈ ભીની વાત લઈને ત્યાં મળ્યો ઉત્તર મને –
મેં અમસ્તો કોઈને કાગળ લખ્યો’તો ને પછી –

બસ દિવસ જેવો દિવસ ડૂબી ગયાનું યાદ છે,
એક માણસ આ ગલીથી નીકળ્યો’તો ને પછી –

ક્યાં જવું આ શહેરને છોડી હવે બીજે કશે,
એક સરખા છે બધેબધ માણસો ‘તો ને પછી –

કોઈની કાંધે ચઢી ‘કૈલાસને જાવું પડ્યું,
જિંદગીનો ભાર એ જીરવી ગયો’તો ને પછી –

-કૈલાસ પંડિત

સ્વર : ડો.પરાગ ઝવેરી
સ્વરાકંન : વિનોદ સરવૈયા

ગુંજો ગુંજો રે તંબુરાના તાર

No Comments

ગુંજો ગુંજો રે તંબુરાના તાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.
હશે કોઈ ચૂક મારા કરતુતમાં એવી,
એ છેટુ પડે રે લગાર,

હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.


આથમતા દિનનું અજવાળું ઢળતું,
કાયાનું કોડિયું ને રાત્યું સળગતું,
માથે ગઠરિયાનો ભાર,

હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.


ગુંજો ગુંજો રે તંબુરાના તાર,
હજુ મારા હરિના ઉઘડ્યા રે નથી દ્વાર.

સ્વર: ચિત્રા શરદ અને કલાવૃંદ
(શચિ ગ્રુપ)
સંગીત: દીપેશ દેસાઈ

Older Entries Newer Entries

Contact Us On WhatsApp @Amit Trivedi