ગહન ઘનશ્યામની મધુરરવ મોરલી
Sep 07
ગીત Comments Off on ગહન ઘનશ્યામની મધુરરવ મોરલી
ગહન ઘનશ્યામની મધુરરવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે
ઉભય અશ્વિન કરે તાલ મરદંગના
ગગન-ગોરંભ ભરી મેઘનાદે
દિવ્ય સૂર-તાલ સૂણી ગગન્ની ગોપિકા,
મૂર્છના વાદળી-વૃંદ જાગે;
તાલ કરતાલ ધરી, પ્રણય નયને ભરી,
મલપતી સરકતે નૃત્ય-પાદે..
સહુ દિશા આવરી રાસકુંડળ રચ્યું
ઝડપ પદતાલથી રાસ જામે;
અંગ કટિભંગ કરી, નયન નર્તન કરી,
કાન ગોપી હ્રદય ઐકત્ર પામે..
નયન નયને ઢળ્યાં, વીજ ચમકા થયા,
મદનમદ નૈન મરજાદ મેલેઃ
હાસ્ય-મોજાં ચડ્યાં, ગાલ ગોળા થયા
હર્ષ-અશ્રુ ખરી પ્રુથ્વી રેલે..
– કૃષ્ણલાલ શ્રીધરાણી
સ્વર : શ્રધ્ધા શ્રીધરાણી