ઝૂંટવી બીજાનો ગુલમ્હોર નહીં લઈએ
આપણે હો બાવળ તો એની હેઠ રહીએ

ક્યાં રહીએ એની વડાઇ નથી કાંઈ
રહીએ કઈ રીતે એનો મહિમા છે આંહી

પારકાનો વૈભવ ને પારકાનું સુખ
નરવી નજરુંથી જુએ એને શાં દુ:ખ ?

ઊંઘ દિયે તે ભોંને સુખશય્યા કહીએ !

પારકાંને પોતીકાં કરવાની ટેક-
હોય એ પહોંચે શિખર સુધી છેક

દરવાજા આપણા ના રાખીએ જો બંધ
બીજાના બાગની પમાય તો સુગંધ

ઉમળકો સમભાગે સૌને દઈ દઈએ !

-રમેશ પારેખ

સ્વરઃ સુરેશ જોશી અને નેહા પારેખ
સ્વરાંકન : સુરેશ જોશી

સૌજન્ય :સંજય રાઠોડ સુરત