પૂરમાં વહેવું ભુલાઈ જાય છે

Comments Off on પૂરમાં વહેવું ભુલાઈ જાય છે

 
 

 
 

પૂરમાં વહેવું ભુલાઈ જાય છે.mp3

 
 

પૂરમાં વહેવું ભુલાઈ જાય છે.
માપમાં રહેવું ભુલાઈ જાય છે.

હું નીરખતો હોઉં છું જ્યારે તને
કાંઈ પણ કહેવું ભુલાઈ જાય છે.

અંગડાઇ મૂર્તિની પડખે ન લે
ધ્યાન ક્યાં દેવું ભુલાઈ જાય છે

ઊભરે છે જેમ તારું ભોળપણ
એમ પારેવું ભુલાઈ જાય છે.

પગ ઉપાડું સહેજ પોતાની તરફ
‘ ને જગત જેવું ભુલાઈ જાય છે.
 
-હરજીવન દાફડા
 

સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો. ભરત પટેલ
 
 

એક પણ ઉત્તર હવે દેવો નથી

Comments Off on એક પણ ઉત્તર હવે દેવો નથી

 
 

 
 

એક પણ ઉત્તર હવે દેવો નથી.mp3

 
 

એક પણ ઉત્તર હવે દેવો નથી,
ઘાવ એનો એ ફરી સહેવો નથી.

હું પરાયો લાગવા લાગું મને,
એમ પૂરો ઓળખી લેવો નથી.

એ મને ધારે છે જેવી રીતથી,
એવી રીતે ધારવા જેવો નથી.

કેમ અઘરા લાગે છે વહેવાર સૌ,
ભેદ એનો કોઈને કહેવો નથી.

સાવ આડેધડ ન મૂકે દોટ તો,
કોઈને પણ હું નડું એવો નથી.
 
-વારિજ લુહાર
 
સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો. ભરત પટેલ
 
 

હે કૃષ્ણ ! કૃપા વરસાવો

Comments Off on હે કૃષ્ણ ! કૃપા વરસાવો

 
 

હે કૃષ્ણ ! કૃપા વરસાવો.mp3

 
 
હે કૃષ્ણ ! કૃપા વરસાવો
હે કૃષ્ણ ! કૃપા વરસાવો

હૃદયે બાંધ્યા તોરણ, કહાના, આંખમાં યમુના પૂર
શ્યામનામ ગૂંજે ધબકારે, શ્વાસ વાંસળી સૂર…
કરુણાકર , કરુણા વરસાવો, મારો જીવનદીપ જગાવો…
હે કૃષ્ણ! કૃપા વરસાવો

કરમાં પહેર્યા ભક્તિકંકણ, કંઠે વૈજંતી માળ
નૂપુરે રણકે, રાધા! રાધા! મન મીરાં કરતાલ
કરુણાકર, કરુણા વરસાવો, મારે રૂદિયે રાસ રચાવો…
હે કૃષ્ણ! કુપા વરસાવો

નિકટ નિરંતર રહો નાથ, શાને દર્શનથી હું દૂર?
“હું’ને ભૂલી નિત્ય સાંભળું, તવ મુરલીના સૂર
કરુણાકર, કરુણા વરસાવો, આવો હરિ આવો…
હે કૃષ્ણ! કુપા વરસાવો
 
– ડો નિભા હરિભક્તિ
 
સ્વર : અનિકેત ખાંડેકર
 
 

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ

Comments Off on હજુ રસભર રાત તો બાકી રહી ગઈ

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ.mp3

હજુ રસભર રાત તો બાકી રહી ગઈ,
ના જા, ના જા, સાજના..

હજુ ચંદ્ર નથી બુજાઈ ગયો
છે તારાઓની છાંય,
હજુ રજનીના શામલ પગલાં
થોડું દૂર રહ્યું પરભાત.
જરી ચમક્યું ગગન વિરાટ,
ના જા, ના જા, સાજના..

હજુ ચંદનભીની કુંજન છે
હજુ સૂર ગુંજે સૂનકાર.
હજુ ઢાળ્યું નથી કંકુ સૂરજનું
તિમિર ને સૂનકાર.
હજુ ઝાંખી બળે દીપમાળ,
ના જા, ના જા, સાજના..

-અવિનાશ વ્યાસ

સ્વર: હર્ષદા રાવળ, વિભા દેસાઈ
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

બોર મેં ચાખ્યાં હતા એ ક્યાં ગયાં ?

Comments Off on બોર મેં ચાખ્યાં હતા એ ક્યાં ગયાં ?

 
 

 
 

બોર મેં ચાખ્યાં હતા એ ક્યાં ગયાં ?
રામ પણ આવ્યા હતા એ ક્યાં ગયાં ?

હું મને સંબોધી પણ શકતો નથી ;
નામ તેં આપ્યાં હતા એ ક્યાં ગયાં ?

છે ઠસોઠસ ફૂલથી આ ગામ , પણ
બીજ મેં વાવ્યાં હતા એ ક્યાં ગયાં ?

મંજિલે ચકલુંય ના ફરકે જુઓ ;
દોડમાં ફાવ્યા હતા એ ક્યાં ગયાં ?

એક ડૂમાને જ એની જાણ છે ;
પૂર જે વાળ્યાં હતા એ ક્યાં ગયાં ?

કોઈ સીધું ઓરડા અંદર ધસ્યું ,
બારણાં વાસ્યાં હતા એ ક્યાં ગયાં ?

ફૂંક છો ને જઈ હવામાં ઓગળી ;
વાંસ તો વાગ્યા હતા એ ક્યાં ગયાં ?

હું સવારે માંડ પહોંચ્યો દ્વાર પર ;
રાતભર જાગ્યા હતા એ ક્યાં ગયાં ?
 
-અશરફ ડબાવાલા
 
સ્વર: ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો. ભરત પટેલ
 
 

Older Entries Newer Entries

@Amit Trivedi