હવે મળશું તો સાંજના સુમારે
આથમતો સૂરજ હો આછો હો ચંદ્રમા
અવનિના એવા ઓવારે!

પગલાંમાં સ્હેજે ઉતાવળ ના હોય અને
અમથો યે ના હો ઉચાટ,
એવો ઉમંગ ચડે દિલને દુવાર
જાણે ઝૂલ્યાં કૈં હિંડોળા-ખાટ;

ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા
ઝાળઝાળ અગનિને ઠારે!… હવે
પોતાની આંખોમાં સુખનો સૂરજ લઇ
પંખીઓ ફરવાનાં પાછાં,
એકાદી ડાળે કોઈ એકાદા માળામાં
ઊતરશે અંધારાં આછાં;

આપણે તો ખીલવાનું મોગરાની જેમ
અને રહેવાનું ક્યારાની ધારે! … હવે
 
-હર્ષદ ત્રિવેદી
 
સ્વર : પ્રાચી શાહ
સ્વરાંકન : અમર ભટ્ટ