અનંત વ્યાસ
 

ભાષામાં વ્હાલ કરીને મા હાલરડું ગાતી
ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી
પા પા પગલી ભરતા ભરતા જે હૈયે ઘૂંટાતી
ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી

જે ભાષાને મીરાબાઈએ મોર મુગુટ પહેરાવ્યો
માણ વગાડી પ્રેમાનંદે સૂર શબદ લહેરાવ્યો
જે ભાષાને પ્રભાતિયાંથી નરસૈયાએ કાંતિ
ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી

જે ભાષામાં સપનાં જોતાં ગાંધી ને સરદાર
જે ભાષામાં ઉતરી આવી સોરઠની રસધાર
જે ભાષામાં અખ્ખાના છપ્પાએ કાઢી છાતી
ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી

જે ભાષાને અંધકારમાં દિસે અરુણ પ્રભાત
એ ભાષાને આંગણ ઉગે વિશ્વશાંતિની વાત
જે ભાષાની વાત જગતમાં જાય વાયરે વાતી
ધન્ય માતૃભાષા એ મારી ધન્ય ધન્ય ગુજરાતી

-કૃષ્ણ દવે

સ્વરઃઅનંત વ્યાસ
સ્વરાંકન:અનંત વ્યાસ