Ame Andhi Vachche Tankhjla Na Manas.mp3
 

અમે   આંધી   વચ્ચે   તણખલાંના  માણસ;
પીળા   શ્વાસની   તુચ્છ   ઘટનાના   માણસ.

ફટાણાંના  માણસ,   મરસિયાના    માણસ;
અમે     વારસાગત     સમસ્યાના   માણસ.

‘કદી’  થી   ‘સદી’  ની   અનિદ્રાના  માણસ;
પ્રભાતોની   શાશ્વત    પ્રતીક્ષાના   માણસ.

અમે  અમને  મળવાને  ઝૂરતા  જ  રહીએ;
સડકવન્ત    ઝિબ્રાતા    ટોળાના    માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ?  કે કશું નૈં?
‘ટુ બી – નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

ભરત   કોઈ     ગૂંથતું      રહે    મોરલાનું;
અમે   ટચ્ચ  ટૂંપાતા   ટહુકાના     માણસ.

મળી   આજીવન    કેદ   ધ્રુવના     પ્રદેશે;
હતા    આપણે   મૂળ   તડકાના    માણસ.

– ભગવતીકુમાર શર્મા

સ્વર : નયનેશ જાની

સ્વરાંકન : નયનેશ જાની