કંઈ પણ મને તું આપ કશું કાયમી નથી
વરદાન હો કે શાપ કશું કાયમી નથી

વારે ઘડીએ સ્થાન નથી છોડવું હવે,
હો વ્હાલ કે તરાપ કશું કાયમી નથી

લાંબો થયો છે માર્ગ કે પગલાંનું કદ ઘટ્યું
બંને ફરીથી માપ કશું કાયમી નથી

કોઈના માટે ઠોસ અભિપ્રાય એ જ કે
સારી ખરાબ છાપ કશું કાયમી નથી

મારી આ સ્થિરતાની તું ઈર્ષ્યા ન કર ફકીર
મારામાં ધ્યાન-જાપ, કશું કાયમી નથી

એ વૃક્ષની બખોલમાં ટહુકાનું ઘર હતું
આજે રહે છે સાપ, કશું કાયમી નથી

કરવું નહીં કશું જ એ ઈચ્છા જ મોક્ષ છે
કરવા શું પુણ્ય પાપ? કશું કાયમી નથી
 
-ભાવિન ગોપાણી