એકનાં બે ન થાય એવાં છે.
તોય મોહી પડાય એવાં છે.

હાથ ઝાલે તો એના આધારે,
ઊંચે ઊડી શકાય એવાં છે.

ખૂબ ટૂંકો પનો છે ચાદરનો,
તોય એમાં સમાય એવાં છે.

માર્ગ કેવા છે એની ઝુલ્ફોના ?
હાથ સોનાના થાય એવા છે.

એની સાથેના અણબનાવો પણ
એક તોરણ ગુંથાય એવા છે.
 
– સ્નેહી પરમાર
 
મહોબતનો માંડવો
 
‘ગઝલ એટલે પ્રિયા સાથેની વાતચીત’- ગઝલની આ પરંપરાગત વ્યાખ્યા છે. શાયરે આ વ્યાખ્યાને સાચી પાડી છે, વળી પોતાના નામને પણ સાચું પાડ્યું છે.

જેને વિશે આ ગઝલ લખાઈ છે તેને ‘સખી,’ ‘પ્રિયા,’ ‘સનમ’ એવું કોઈ નામ અપાયું નથી- ખજાનો તો ઊંડે ઊંડે દાટવો પડે! તે વ્યક્તિની સમીપ જવાની ઇચ્છા ખરી, પણ સંબંધ હજી બંધાયો નથી, માટે તેનો ઉલ્લેખ તુંકારે નહિ પણ માનાર્થે કર્યો છે. શાયર પોતાને ગમતી વ્યક્તિનું વર્ણન મિત્ર પાસે (વાચક પણ મિત્ર તો ખરોને) કરે છે. શાયરનાં મનનાં માનેલ ‘એકનાં બે ન થાય એવાં છે.’ ધાર્યું જ કરે એવી સ્ત્રીને સંસ્કૃતમાં ‘માનુનિ’ કે ‘મનસ્વિની’
કહે છે. આ ઓજસ્વિતાનો ગુણ છે. છીપલાં કાંઠે મળે,પણ મોતી પામવા તો તળિયે જવું પડે.વળી આ સ્ત્રી એકલી છે-સિંગલ.એને બેકલાં થવાની કોઈ ઉતાવળ નથી.

સોબત તેવી અસર. સુભાષિતકારે કહ્યું છે કે અગ્નિની સંગત કરવાથી લોઢાને ટીપાવું પડે છે.શાયરનાં મનનાં માનેલ એવાં છે કે હાથ ઝાલે તો ઊડી શકાય. તેમના સંગાથથી શાયર પોતાના શરીરથી ઊંચે ઊઠી શકે છે, અણધારેલાં કામ કરી શકે છે.(તુમ જો પકડ લો હાથ મેરા, દુનિયા બદલ સકતા હૂં મૈં- મજરૂહ સુલતાનપુરી.)

કહેવત છે કે ચાદર હોય તેટલી સોડ તાણવી. અપ્સરા ઝૂંપડીમાં ન સમાય.પરંતુ આમની ખાસ વાત એ છે કે નાના ઘરમાં સમાઈ શકે છે અને ઘરને સાચવી શકે છે.

મુમતાઝ રાશીદનું ગીત છે,’ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ,ઇક તૂ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ.’ અહીં ઝુલ્ફ સોનાનાં નથી, તેથી ચડિયાતાં છે. એને અડકતાંવેંત હાથ સોનાના થાય છે. કહો કે ઝુલ્ફ પારસમણિ છે. મિત્ર તો એ સાચો જે સંપર્કમાં આવનારનું મૂલ્ય વધારી દે.ઝુલ્ફના માર્ગ પરથી પસાર થતા હાથનો રોમાંચ વાચક અનુભવી શકે છે.

માત્ર સુંવાળાં ફૂલોથી તોરણ ન થાય. તોરણ કરવા માટે ફૂલોમાં અણિદાર સોયા વડે છિદ્ર પાડવાં પડે. એમની સાથેના અણબનાવો પણ ખૂબસૂરત છે.રિસામણાં-મનામણાંની ફૂલ-પત્તીઓ વડે મહોબતનો માંડવો રચાય છે.

આ ગઝલ મુસલસલ (સૌ શેરનો વિષય/ભાવ સમાન હોય તેવી) અને મુરસ્સા (સૌ શેર સારા હોય તેવી) છે. શાયરને અભિનંદન.
 
-ઉદયન ઠક્કર
 
સૌજન્ય : ડો. ભરત પટેલ રાજકોટ