એકલો  હું  અવસરીને  શું   કરું ?
છું સભર પણ  ઝરમરીને શું કરું ?

તું  જ તો સંકલ્પ થઈ સામે ઊભી
ઈશને  હું    કરગરીને   શું    કરું ?

સ્વપ્નમાં  ભોંઠો   પડું   છું હરઘડી
હું   દિલાસા    સંઘરીને   શું  કરું ?

હું  સતત  મારાપણામાં     વિસ્તરું
અન્યથા   હું  વિસ્તરીને   શું   કરું ?

ડૂબવાથી  તો   તને   પામી  શક્યો
હું  હવે  આ  ભવ  તરીને   શું  કરું ?

છું   સકળ   સંવેદનોથી   પર  હવે
ભ્રમ   ભરેલી    હાજરીને   શું  કરું ?

– સુરેન ઠાકર ‘મેહુલ’