જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં

જળના ભરોસે હોડીબાઈ નીસર્યાં
છાંયડા ક્યાંક રે ડ્હોળા ને ક્યાંક નીતર્યા

ક્યાંક ઠેસ રે વાગે છે પોચા આભની
ક્યાંક વાગે પોચો પોચાયેલ પ્હાડ
ક્યાંક વાગે રે રેતીનાં તળ છીછરાં

એનો તાતો રે તાણેલ શઢ તો પાંદડું!
એમાં જળના ભરોસા હિલ્લોળાય
એ તો વાયરા તોખારી પીને ફરફર્યા

હોડીબાઈ જળમાં બંધાણા કાચા તાંતણે
જળની જળવત્તા જાળવતા જાય!
હોડીબાઈ જળમાં જીવ્યાં ને જળમાં સંચર્યાં

એને જળનો થાકોડો, જળનો આશરો
એને જળના ઘરેણાં, જળની ટેવ
હોડીબાઈ જળનાં જડબાને સાવ વિસર્યાં!

કાવ્યઃ રમેશ પારેખ
સ્વરઃ હરિશ્ચંદ્ર જોશી અને ગાર્ગી વોરા
સ્વરાંકનઃ હરિશ્ચંદ્ર જોશી
સંગીત નિયોજનઃ સુરેશ જોશી