અમથું જરાક અમે પૂછ્યું કે કેમ છો ?
એમાં શું પડી ગઈ ધાડ ,
તમારી નજર જો પડી જાય ઘાસમાં,
તો તરણું પણ બની જાય પહાડ

અમે જૂનો ભરવાડ જેમ ઘેટાં ગણે ,
ને એમ દિવસો ગણતા કે હાજી કેટલાં ?
ને તમે દિધાં સંભારણાના પરદા ઊંચકાય નહીં ,
આંખોમાં થાક હજી એટલા..
અરીસાનાં ફૂટવાથી ચહેરો ફૂટે નહીં ,
ખોટાં છે કાચના કમાડ …

અમે વૈશાખી તડકામાં બાવળની હેઠ પડ્યા,
પડતર જમીનનાં વેરાણ ,
તમે આવળનાં ફૂલ સમું એવું જોતાંકે ,
સૂકી ડાળખીને ફૂટી જાય પાન ..
છણકાની છાલકથી જાશે તણાઈ,
તમે બાંધેલી ઉંબરાની વાડ

– અનિલ જોશી

સ્વર : સંજય ઓઝા