કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
Aug 07
ગીત Comments Off on કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
[wonderplugin_audio id=”317″]
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
ચકલાં ઉંદર ચૂ ચૂ ચૂ
છછૂંદરોનું છૂ છૂ છૂ
કૂજનમાં શી કક્કાવારી?
હું કુદરતને પૂછું છું.
ઘૂવડ સમા ઘૂઘવાટા કરતો
માનવ ઘૂરકે હું હું હું
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
લખપતિઓના લાખ નફામાં
સાચું ખોટું કળવું શું?
ટંક ટંકની રોટી માટે
રંકજનોને રળવું શું?
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
હરિ ભજે છે હોલો
પીડિતોનો પ્રભુ! તું પ્રભુ તું
સમાનતાનો સમય થાશે ત્યાં
ઊંચું શું ને નીચું શું?
ફૂલ્યાં ફાલ્યાં ફરી કરો કાં
ફણિધરો શાં ફૂં ફૂં ફૂં
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
થાંથાં થઈને થોભી જાતાં
સમાજ કરશે થૂ થૂ થૂ
માન વિનાના મૂકી જાશે
ખોટાં ખૂખલાં ખૂ ખૂ ખૂ
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
પરમેશ્વર તો પહેલું પૂછશે
કોઈનું સુખદુ:ખ પૂછ્યું’તું?
દર્દભરી દુનિયામાં જઈને
કોઈનું આંસુ લૂછ્યું’તું?
ગેં ગેં ફેં ફેં કરતાં કહેશો
હેં હેં હેં હેં! શું શું શું?
કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ
કોયલ કૂજે કૂ કૂ કૂ
-દિનકરરાય કેશવલાલ વૈદ્ય
‘મીનપિયાસી’