માએ  મનને  ગજાવ્યાં ગઝલગોખમાં રે!
માએ  અમને  તેડાવ્યાં  શબદચોકમાં  રે!

લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને  રમતા  મેલ્યા છે  ગામલોકમાં રે!

મારું  ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ?
હૈયું  છલકે   ને  હરખ  ઊડે  છોળમાં રે!

પહોંચું  પહોંચું  તો  ઠેઠના ધામે  હું કેમ?
લાગી  લાગીને  જીવ  લાગ્યો પોઠમાં રે!

રહે   જાતરા  અધૂરીને ને  ફળતો જનમ;
એવો  મંતર  મૂક્યો  છે  કોણે   હોઠમાં રે!

મારે  પીડાની  મા    કેવી   હાજરાહજૂર!
કાં  તો   ડૂમે  દેખાય  કાં તો  પોકમાં  રે!

જેની  નેજવાના  ગઢ  ઉપર  દેરી  બાંધી;
એની    ગરબી   ગવાય   રોમેરોમમાં  રે!

 – અશરફ ડબાવાલા