લેવા ગયો જો  પ્રેમ  તો  વહેવાર  પણ  ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર  પણ  ગયો.

એની  બહુ   નજીક   જવાની   સજા   છે  એ,
મળતો હતો જે   દૂરથી સહકાર   પણ   ગયો.

રહેતો   હતો  કદી   કદી   ઝુલ્ફોની   છાંયમાં,
મારા નસીબમાંથી  એ   અંધકાર  પણ  ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો  આભાસ  હો   ખુદા,
દોઝખમાં કોઈ એવો  ગુનેગાર   પણ   ગયો ?

એ    ખુશનસીબ  પ્રેમીને  મારી  સલામ  હો,
જેનો સમયની સાથે  હ્રદયભાર  પણ   ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર  હક  નથી  હવે,
એવુંય  કંઈ  નથી  કે  અધિકાર   પણ   ગયો.

સાકી છે સ્તબ્ધ  જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા   સાથે    કામથી પાનાર   પણ ગયો.

કેવી     મજાની    પ્રેમની    દીવાનગી   હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો   સમજદાર  પણ  ગયો

-‘મરીઝ’

સ્વરઃ ઉદય મઝુમદાર
સ્વરાંકન : ઉદય મઝુમદાર