મારો સાજન મળ્યો ન મને મેળામાં
Feb 08
ગીત Comments Off on મારો સાજન મળ્યો ન મને મેળામાં
[wonderplugin_audio id=”398″]
હું તો હાટડીએ હાટડીએ ઘૂમી વળી
ને પડી આવી એવી તે કૈંક વેળામાં
મારો સાજન મળ્યો ન મને મેળામાં
ઊભી રહું ક્યાંય તોય આખું ચકડોળ
મને વેળાનું ફરતું દેખાય
ભમતી અભાન હું યે ચૌટે ને ચોકે
અને અણસારો કોઈ ન કળાય
અચકાયું હતું મારું ઓચિતું મન
જેવી નીકળી કે બ્હાર મારા ડેલામાં
મારો સાજન મળ્યો ન મને મેળામાં
લંબાતી જાય વાટ ચાલું ને જેમ જેમ
થાક્યા પહેલા યે હું તો થાકું
જોઈ રહે લોક બધું મારા નસીબ જેવું
રસ્તામાં મારી સામે વાંકું
ફૂલ મને હસતાં
ને કાંટાઓ અટવાયા
નવા રે નક્કોર મારા સેલામાં
મારો સાજન મળ્યો ન મને મેળામાં
– મહેશ શાહ
સ્વરઃ હંસા દવે
સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય