લંબચોરસ ઓરડામાં
Mar 14
ગઝલ Comments Off on લંબચોરસ ઓરડામાં
[wonderplugin_audio id=”412″]
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર. રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.
ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.
– નયન દેસાઈ
સ્વર અને સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુન્શી