ડેલીએ આવે તો બારણુંયે વાસુ
Apr 01
ગીત Comments Off on ડેલીએ આવે તો બારણુંયે વાસુ
[wonderplugin_audio id=”630″]
ડેલીએ આવે તો બારણુંયે વાસુ પણ સપનામાં આવે તો શું?
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું…
આંખોમાં જ્યારથી મેઘધનુ કોર્યા એ રંગો હથેળી જઈ મ્હોર્યા,
કમખા ને ઓઢણીની કોરે ચીતરેલા મોરલાં ઓછા ના ટહુક્યા;
કુમળા એ અવસરને એમ થયું જાણે કે સોળ વરસ બાથમાં ભરું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.
હોઠો પર વાસંતી લાલી ફૂટીને ગાલો પર આવી ગુલાબી,
હૈયામાં ઉછરેલ સૂરજમુખી કરે રોમરોમ રણઝણની લ્હાણી;
મોસમની જેમ તું આવ-જા કરે ને મળે શ્વાસોને ભવભવનું ભાથું…
સ્મરણોની હેલીને ક્યાં કોઈ લગામ એને નાથે તો બસ એક તું.
-પ્રજ્ઞા વશી
સ્વર : અનિતા પંડિત
સ્વરાંકન : મેહુલ સુરતી