જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખુશ્બો હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, તેથી અનંત છું.

બંને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું,
વિખરાએલો કદી છું, કદી તંતોતંત છું.

રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું “મરીઝ’,
ને આમ જોઈએ તો ન સાધુ, ન સંત છું.

-મરીઝ

સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ