તરાપો ખરાબે ચડે એ ય સાચું
છતાં યે ન દરિયો જડે એ ય સાચું

જો મળીએ તો મળવું બની જાય બોજો
અને સૌને મળવું પડે એ ય સાચું

નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એ ય સાચું

કદી આવે ઠોકર મદદગાર થઈને
નડે તો ચરણ પણ નડે એ ય સાચું

છું પથ્થર વિષે કોતરાયેલું પંખી ને
પાંખો સતત ફડફડે એ ય સાચું

-રમેશ પારેખ

સ્વર : રથિન, કૃષાનુ, દીતિ અને કોષા
સ્વરાંકન : રથિન મહેતા