હે ઈ ચાંગા…. રાજેન્દ્ર શાહ
May 30
ગીત Comments Off on હે ઈ ચાંગા…. રાજેન્દ્ર શાહ
[wonderplugin_audio id=”778″]
હે ઈ ચાંગા, શુકર, બોમાન, શાની !
ભરતી આવી ભૂર, હો ભૂરાં
અલબેલાનાં ઊછળે પાણી,
હે ઈ રે હેલા આ..ય
ભરકાંઠાનાં જળ તે આપણ
જાળમાં બાંધ્યાં જાય.
ખારનો સાગર ખેડીએ, માછી!
રોજ ઋતુ, રોજ મોલ;
આજની મ્હેનત આજ ફળે,
નહિ કાલનો લેવો કોલ.
રે હેલા હે ઈ રે હેલા આ…ય,
ભરકાંઠાનાં જળ આપણ
જાળમાં બાંધ્યાં જાય.
લીજીએ એથી અદકાં આવે
બૂમલાં આપણ બેટ,
દુનિયાનાં કંઈ લાખ જણાનું
ભરીએ પોકળ પેટ;
રે હેલા હે ઈ રે હેલા આ…ય,
ભરકાંઠાનાં જળ તે આપણ
જાળમાં બાંધ્યાં જાય.
સૂંડલા ભરી જાય રે આપણ
સોન-મઢી ઘરનાર,
આંખમાં એની ઊછળે
જોવનજળની ઘેઘૂર ઝાર,
એ હેલા હે ઈ રે હેલા આ…ય.
ભરકાંઠાનાં જળ તે આપણ
જાળમાં બાંધ્યાં જાય.
ન્હૈં મોતી, ન્હૈં ધોતી, કેવળ
કેડનું રેશમ ચીની,
ઘરદુવારે ભરજુવાળે
કાય રહે રત ભીની,
રે હેલા હે ઈ રે હેલા આ….ય,
ભરકાંઠાનાં જળ તે આપણ
જાળમાં બાંધ્યાં જાય
-રાજેન્દ્ર શાહ
સ્વર : અજિત શેઠ અને નિરૂપમા શેઠ
સ્વરાંકન : અજિત શેઠ