ચાલને ચૈત્રની ચાંદની રાતમાં
May 30
ગીત Comments Off on ચાલને ચૈત્રની ચાંદની રાતમાં
[wonderplugin_audio id=”780″]
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
લહરી ઢળકી જતી
વનવનોની કુસુમ સૌરભે મત્ત છલકી જતી
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી
સ્વૈર પથ એહનો ઝાલીએ
ચાલીએ ચાલીએ
ચાલીએ ચાલીએ ચાલીએ
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
વિરહ સંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો
અવનિના ગ્રીષ્મ હૈયા પરે પ્રસરી કેવો રહ્યો
ચંદ્રશાળા ભરી ઊછળે આંગણામાં ઢળે
પેલી કેડી પરે
લલિત વનદેવી સેંથા પરે ઝગમગે
દૂર સરવર પટે
મંદ જળના તરંગો પરે તગતગે
અધિક ઉજ્જ્વળ કરંતો જ
તુજ ભાલને ગાલને
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ
ચાલીએ ચાલીએ
ચાલીએ ચાલીએ ચાલીએ
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
-ઉમાશંકર જોશી
સ્વર :અજિત શેઠ અને નિરુપમા શેઠ
સ્વરાંકન :અજિત શેઠ