યુગ યુગથી તું ધીરજ ધરીને , બેઠી કેમ અબોલ રેતી બેઠી કેમ અબોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……..

કણ કણમાં ઈતિહાસ ભર્યો તુજ, યુગ યુગથી સૌ જોતી
ગગને જયારે કોઈ ન ઊડતું , ત્યારે ઊડી તું રેતી …..
અખૂટ આ ભંડાર છે તારો , કિમત કશું નાં લેતી
કહેતા આ સૌ સસ્તી રેતી, મુજ મન તું અણમોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ ……

જીવન તણી આ કાચ શીશીમાં , સમયની સરતી રેતી
અંતરમાં સમાવી દીધાં અગણિત છીપલાં મોતી
ખારા નીરમાં પ્રેમે તરતાં શીરે ભરતાં સૌ રેતી
ગોદમાં તુજ આ માનવ રમતાં આનંદે કિલ્લોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …..

કાચ બની તું કંગન થઇ કોઈ ગોરી હાથે ઝૂલતી
સૈનિક આગળ રણ મેદાને બંદૂક ગોળી ઝીલતી
રાજમહેલ કે રંક તણા ઘર પાયા ભીંતો ચણતી
પાળની પાછળ રહીને મારી વહેતા પુરને ધોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ

વણઝારાની સાથી બનીને ભોમ ભોમમાં ભમતી
સિલીકન ચીપ બનીને આજે અવકાશે તું ઊડતી
ઝાંઝવાના નીર થઈને રણ વંટોળે ચડતી
તેલ ફુવારા રણમાં ફૂટતાં , અજબ છે એના મોલ
ઓ રેતી બેઠી કેમ અબોલ …

– ડૉ. દિનેશ ઓ શાહ (ગેઇન્સવિલ, ફ્લોરીડા, યુ એસ એ)

સ્વરઃ હેમા દેસાઇ
સ્વરાંકન : આશિત દેસાઈ