મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મળવા આવે ત્યારે બોલે ના કાંઇ
એના શ્વાસોમાં વાગે શરણાઇ
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમા
લાગે કે નખશિખ ભીંજાઇ

મારો પીયુજી હૈયાનો હાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ

ગમે એના વિના ના લગાર
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

-તુષાર શુકલ

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ