સુખની આખી અનુક્રમણિકા
Jun 23
ગીત Comments Off on સુખની આખી અનુક્રમણિકા
[wonderplugin_audio id=”821″]
સુખની આખી અનુક્રમણિકા અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ
પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને પાને પાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ
હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને એ પુસ્તકમાંથી ગાયબ!
ફાટેલાં પાનાંનાં જેવાં ફાટી જાતાં સગપણ
તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ
આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ
તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ
-મુકેશ જોશી
સ્વર : અનંત વ્યાસ
સ્વરાંકન :અનંત વ્યાસ