રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.

પહાડથીયે કઠ્ઠણ મક્કમ માણસ છે;
દડદડ દડદડ દડી પડે ભૈ, માણસ છે.

ચંદર ઉપર ચાલે ચપચપ, માણસ છે;
ને બે ડગલે ખડી પડે ભૈ, માણસ છે.

સૂર્યવંશીનો પ્રતાપ એનો, માણસ છે;
ભરબપ્પોરે ઢળી પડે ભૈ, માણસ છે.

પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે;
ટાણે ખોટ્યું પડે, પડે ભૈ, માણસ છે.

-જયંત પાઠક

સ્વરઃ શ્યામલ સૌમિલ મુનશી
સ્વરાંકન :શ્યામલ સૌમિલ મુનશી
સૌજન્ય : સંજય રાઠોડ સુરત