રાજ લખતરવી

સાવ નોંખી ધૂળના માણસ અમે.
આશિકોના કૂળના માણસ અમે.

થઈ ગયા છઈ ફૂલના હમણાં ભલે,
મૂળ તો છઈ શૂળના માણસ અમે.

બોલવાના, પાળવાના કૈં નહીં,
ક્યાં હતાં રઘુકૂળના માણસ અમે.

થઈ ગયા દાનવ સમય સંજોગથી,
દેવ જેવા કૂળના માણસ અમે.

‘રાજ’ સોનાના હતા સતયુગ મહીં,
કળિયુગે તો ધૂળના માણસ અમે.

-રાજ લખતરવી

સ્વર : પિયુષ દવે
સ્વરાંકન : ડો ભરત પટેલ