દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં
મને દરિયો દેખાય તારી આંખમાં
દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી
દરિયો રેલાય મારી આંખમાં દરિયાને જોઇ

છીપલામાં સદીઓથી કેદ થઇ
સૂતેલા દરિયાને સપનું એક આવ્યું
બાઝેલી લાગણીની પીળી ખારાશ લઇ
માછલીને મીઠું જળ પાયું
માછલીની વાત હોય સાચી સાચી ને
એક સપનું ઘેરાય તારી આંખમાં દરિયાને જોઇ

ઓળઘોળ મોજાં ને ઓળઘોળ ફીણ પછી
ઓળઘોળ અંકાતી રેતી
ઝુકેલી ડાળખીને સાન-ભાન-માન નહીં
દરિયામાં વાત થઇ વ્હેતી વ્હેતી
એ વાત બની વાંસળીના સૂર
મોરપિઁછુ લહેરાય તારી આંખમાં
દરિયાને જોઇ હું તો દરિયો થઇ જાઉં..

– પ્રફુલ્લા વોરા

સ્વર : પ્રિતી ગજ્જર
સ્વરાંકન : ડો ભરત પટેલ