હૈયાના દફ્તરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે, કાલથી તો વેઠવાની કાયમી અમાસ.

રમવું ને લડવું ને રડવું ને રીંસાવું, પળભરમાં સઘળું એ ભૂલવું.
ભૂલીને સ્મિત તણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબ સમું ખીલવું.
મંદિરમાં નહીં, મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ.

આંગળીમાં ઉછેર્યાં અક્ષર મરોડ અને કંઠોમાં ઘડિયાના સૂર.
ગાંધી અશોક બુદ્ધ શિવાજી ક્લાસમહીં પ્રગટેલાં હાજરાહજૂર.
મોહન જો ડેરોમાં ફેરવાશે સઘળું ને થઈ જાશે મારો ઇતિહાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે, કાલથી તો વેઠવાની કાયમી અમાસ.

નીરખી લઉં એક એક ઓરડાને મનભરી, સ્પર્શી લઉં બારીને બારણાં.
ફાગણમાં ફૂલ હોય ડાળીપર એમ અહીં કણકણમાં લાખો સંભારણાં.
કાળતણા હાથ વડે વાગ્યો છે બેલ અને બદલાયો જીવતરનો તાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ.

-કિશોર બારોટ

સ્વરઃ અનંત વ્યાસ

સ્વરાંકન : અનંત વ્યાસ