[wonderplugin_audio id=”1047″]

નાની નકામી વાતમાં શાને બબાલ કર,
જગને વ્હાલ કર અને જીવતરને ન્યાલ કર.

એમાં ખુદાઈ મ્હેંકને પામી શકીશ તું,
કોઈના આંસુ લૂંછીને ભીનો રૂમાલ કર.

ભૂખ્યું તો નહીં હોયને પાડોશમાં કોઈ?
ભાણા ઉપર તું બેસતાં પહેલાં ખયાલ કર.

પીડાભર્યાં જગતમાં સુખ નિરાંત કાં મને?
ક્યારેક તો પ્રભુને તું એવો સવાલ કર.

દુનિયા નથી કુરુપ, એ છે ચાહવા સમી,
તારી નજરના મેલનો પહેલાં નીકાલ કર.

-કિશોર બારોટ

સ્વર : અરવિંદ ગોસ્વામી
સ્વરાંકન : અરવિંદ ગોસ્વામી