ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ
Jun 08
ગીત Comments Off on ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ
[wonderplugin_audio id=”11″]
Click the link below to download
Bhinte Chitrel Ruda Garva Ganpati.mp3
ભીંતે ચિતરેલ રૂડા ગરવા ગણપતિ
તમે બોલો આ મીંઢણ હું બાંધું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?
લચી પડે છે હજુ લીલીછમ યાદો
ને પાંપણમાં પોઢી છે રાતો
હળુહળુ હેતમાં હેળવેલાં હોઠનો
જો ને અલી છે ને રંગ રાતો
અંતરમાં ઉમટેલા વ્હાલના વંટોળને
હું નાડાછડીથી કાં બાંધુ?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?
પીઠી તું ચોળ પછી, પહેલા તું બોલ
આ રાતા તે રંગમાં શું ભરવું (?)
સાતમે પાતાળ સાવ રેશમમાં વીતેલા
સપનાનું મારે શું કરવું?
પાનેતર પારકું તો ઓઢીને બેસું પણ
મનની ચોપાટ કેમ માંડું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?
ચોરીના ચાર ફેરા ફરું તો કેમ?
પડે ભવભવના ફેરા નક્કામા
આગળના રસ્તાને ભાળે શું આંખ
મળે વીત્યાના પડછાયા સામા
કાડું તો બાંધું બે તમારા કહેવાથી
હૈયાને કેમ કરી બાંધું?
આખા તે આયખાના મઘમઘતા કંચવાને
પારકી તે ગાંઠથી કાં ગાંઠું?
– સુકદેવ પંડ્યા
સ્વર : નિશા કાપડિયા
સ્વરાંકન :નયનેશ જાની