મારી છાતીમાં ઊગેલો કુંવારો છોડ
હવે ગોફણના પથ્થરને માંગે.

આંખોમાં રેલાતા ગુલમ્હોરી આભને
કેમ કરી કાજળના દોરે હું બાંધુ ?
પાતલડી કેડમાં રેલાતા દરિયાને
કેમ કરી ગૂંથેલા કમખે હું બાંધુ ?
રે મૂઈ, હું તો લાજુ ને દર્પણને તોડું;
ઓ…હો…ત્યાં તે લોહીમાં સૂતેલાં સપનાં જાગે.

અમથું આ પીંછાને ગાલે ઘસું ત્યાં તો
બાંહોમાં પંખીને ફેલાતાં ભાળું’;
હાથીની સૂંઢમાં જંગલને જોઉં ને
સૂરજને ભીંસી અંધારાં પલાણું;
રે મૂઈ, હું તો લાજુ ને પરદાને ઢાળું;
ઓ…હો…ત્યાં તો પરદામાં ગૂંથેલા મારે બધા જાગે.

– મૂકેશ માલવણકર

સ્વર : પરેશ ભટ્ટ
સ્વરાંકન :પરેશ ભટ્ટ