મારી આંખમાંથી ખરતો આ શ્રાવણ ભાદરવો
તમે સાચવી શકો તો લ્યો સાચવો
તમે પારખી શકો તો લ્યો પારખો

ઈ રે પાણીના રે પરપોટે પરપોટે ઊગ્યાં છે
પીડાના વન કાંઈ એટલાં
છાતી સમાણાં અમે પરપોટે ડૂબ્યા પછી
ડૂક્યા’તા મન કંઈ એકલાં

અરે મારા રે નામમાંથી પડતો આ ભીનો પડછાયો
તમે તારવી શકો તો લ્યો તારવો
તમે સાચવી શકો તો લ્યો સાચવો

લીલેરા જીવની રે બાંધીને કોઠ લાલ હો
હાલ્યા રે વણઝારા રણમાં
બળતા બપોરે ઓલ્યા લૂ ના મુકામ
ગામ દેખાશે રેતીના કણ માં

યાતનાની સૂકી આ ડાળ કોઈ વળગી છે ઝાડવાને એવી
એને કાપી શકો તો લ્યો કાપજો
એને સાચવી શકો તો લ્યો સાચવો

-દેવેન શાહ

સ્વરઃ પરેશ ભટ્ટ
સ્વરાંકન : પરેશ ભટ્ટ

ખાસ નોંધ : ભાઈશ્રી વિભુ જોશીએ (સુરત) કવિ વિશે માહિતી આપી. તેમણે એ પણ કહ્યું કે આ ગીત આકાશવાણીની કેન્ટીનમાં બેસી ફક્ત 10 મિનિટમાં લખ્યું. પરેશભાઈએ કહ્યું હતું કે મને સ્વરાંકન કરવું અઘરું પડે એવું લખી આપો.મજાની વાત એ થઈ કે પરેશભાઈએ સ્વરાંકન પણ ત્યારે જ કરી નાંખ્યું હતું

શબ્દો સૌજન્ય:જયેશ સુરેશલાલ શાહ સુરત
અમિત ન. ત્રિવેદી ( Siemens ) વડોદરા