પહેલો પ્રેમ ને પહેલો કાગળ ને પહેલો વરસાદ
વર્ષો વીતી જાય છતાં,એ રહે હમેશાં યાદ
પહેલો પ્રેમ ને પહેલો કાગળ…..

સાવ અચાનક મહેકે અંદર ના જાણું કે કેમ
રાતરાણીની સુગંધ જેવો પહેલો પહેલો પ્રેમ
એકલા એકલા હસવું ગમતું, એકલા એકલા રડવું
પીડા પારાવાર થતી તોયે ગમે પ્રેમમાં પડવું
અંતરના અંતરમાં બાજે મધરો મધરો નાદ
વર્ષો વીતી જાય છતાં…..

આંખોના આકાશથી જ્યારે વરસે વ્હાલનું વાદળ
ભીની માટી જેવો મહેકે, પ્રથમ પ્રેમનો કાગળ
કહેવાનું કંઈ કેટલું હોયને, સાથ ના આપે અક્ષર
ત્યારે આંખો વરસી રહેતી, આંસુ નામે ઝરમર
કમખામાં કાગળ સંતાડું, લિખિતંગ લખવા બાદ
વર્ષો વીતી જાય છતાં…..

ઉંબર આગળ અટકે પગલું, હૈયું સાંભળે સાદ
લાજ મૂકી ભીંજાવા કહેતો, એ પહેલો વરસાદ
તરસી ધરતી પર વરસે છે મન મૂકીને આભ
લીલા લીલા અક્ષરમાં અંકાતુ શુભ ને લાભ
કંઈક પલળતા વર્ષાજળમાં ભીંજાતુ એકાદ
વર્ષો વીતી જાય છતાં…..

-તુષાર શુક્લ

સ્વરઃ પાર્થ ઓઝા અને ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : માલવ દિવેટિઆ