પાંદડાં ખખડે બહુ  તો   એ   હવાની   ભૂલ   કાઢે,
પાનખરના   કારણોમાં    ઝાડવાંની   ભૂલ     કાઢે.

રીત તરવાની  છે  ખોટી,  માછલીને જઈ  કહે એ,
જાળ તું કાં  આમ   ફેંકૈ ?   ખારવાની  ભૂલ  કાઢે.

ક્યાંક સુકું, ક્યાંક ઝરમર, ક્યાંક મૂશળધાર  શાને ?
સાવ મનમાની ચલાવે ?   વાદળાંની   ભૂલ   કાઢે.

આંખમાં કીકીના  સ્થાને  ભૂલશોધક   યંત્ર   રાખે,
રોજ  સાંજે   બંદગીમાં  એ  ખુદાની   ભૂલ   કાઢે.

આંખ આડા કાન કરતો લાખ ભૂલો જોઈને  પણ,
ભૂલથી પણ ના કદી  એ   આયનાની  ભૂલ   કાઢે.

-કિશોર બારોટ