શેઢે બેઠો છે કિરતાર.
મારી સાથે મહેનત કરતો, જાણે ભાગીદાર.

હું ખેતર ખેડું, તે માથે મેઘ થઈને વર્ષે
મેં વાવેલાં દાણે-દાણે હેત હુંફાળું સ્પર્શે.
ક્યારે-ક્યારે લીલપ થઈ ફેલાતો પારાવાર.
શેઢે બેઠો છે કિરતાર.

નિંદામણ હું કરી, ચાડિયો થઈ, રખોપું કરતો.
ડુંડે સાચાં મોતીનું તે ભરત રૂપાળું ભરતો.
છૂપો રહીને તે ચીવટથી કરતો કારોબાર.
શેઢે બેઠો છે કિરતાર.

મારી મહેનત થઈ ફોતરાં પવન મહીં ફેંકતી.
અને ખળામાં તેની વ્હાલપ ઢગલો થઈ ઠલવાતી.
ભાગ ન માંગે ને યશ આપે, આ કેવો વહેવાર?
શેઢે બેઠો છે કિરતાર.

– કિશોર બારોટ

સ્વરઃ અરવિંદ ગોસ્વામી
સ્વરાંકન : અરવિંદ ગોસ્વામી