પ્રસંગો  પાંદડાના ઢગમાં    બાળતા  રહીએ.
પરિસ્થિતિનાં     ધુમાડાને   ઘુંટતા   રહીએ.

હવે   અવાજનું    ઊંડાણ તું  ય  જાણે  છે
તને ગમે   તો  જરા વાર   બોલતા   રહીએ.

ફરીથી સ્થિર થઈ જાશે   જળ   સરોવરનાં
ફરીથી  આપણાં   પથ્થરને   ફેંકતાં  રહીએ.

થીજી ગયો છે હવે પ્રેમ પણ અતિતની જેમ
સમય ની જેમ ચલો આપણે જતા  રહીએ.

‘ફના’ચાલોને આ પગલાંને  મુકવા  જવું છે,
જરા ક્ષિતિજ સુધી  જઈને આવતા રહીએ

-જવાહર બક્ષી

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ આશિત દેસાઈ