સૌંદર્યનું ગાણું
Jan 03
ગીત Comments Off on સૌંદર્યનું ગાણું

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,
જ્યારે પડે ઘા આકરા
જ્યારે વિરૂપ બને સહુ
ને વેદનાની ઝાળમાં
સળગી ઉઠે વન સામટાં,
ત્યારે અગોચર કોઈ ખૂણે,
નીલવર્ણા, ડોલતાં હસતાં, કૂણાં
તરણાં તણું ગાણું મુખે મારે હજો,
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો.
સ્વપ્નથી ભરપુર આ
મારા મિનારાઓ પરે
જ્યારે પ્રહારો વજૂના આવી પડે,
નોબતો સંહારની આવી ગડે,
ને ધૂળભેગા કાટમાળો પીંખતી,
ઉપહાસની ડમરી કદી ઉંચી ચડે,
ત્યારે અરે!
પ્રેમે પ્રફુલ્લિત કો સ્વરે,
આ વિશ્વના માંગલ્યનું ગાણું મુખે મારે હજો,
સૌંદર્યનું ગાણું મુખે મારે હજો.
– મકરંદ દવે
સ્વર : પ્રણય શાહ
સ્વરાંકન : અમર ભટ્ટ
નોંધ : વડોદરા મેડિકલ કોલેજના ભૂતપૂર્વ ડીન અને SSG Hospitalના ભૂતપૂર્વ Supdt. Dr DN Shah અને મુદ્રિકાબેનના આ સુપુત્ર છે જેઓ USA સ્થાયી થયા છે. પિતાનો અમર વરસો સાચવવાનો આનંદ છે.