દૂર રહે ત્યારે…

Comments Off on દૂર રહે ત્યારે…

 

 

દૂર રહે ત્યારે પણ લાગે આસપાસ તું સાજન
મારા દિલની ધડકન મારી તિવ્ર પ્યાસ તું સાજન

કદી લડખડું તો ઝપ્પ દઈને લઇ લેજે તું બાથે
જીવનપથ પર હાથ ઝાલીને ચાલીશું સંગાથે
મેં ચૂંટેલું મઘમઘતું એક ફૂલ ખાસ તું સાજન
દૂર રહે ત્યારે પણ લાગે આસપાસ તું સાજન

તું છે સરવર સ્નેહ તણું હું એમાં તરતી હોડી
તને પામવા ખળખળ કરતી નદી જેમ હું દોડી
હું શ્ર્વસતી પળપળ એ પુલકિત પરમ શ્ર્વાસ તું સાજન
દૂર રહે ત્યારે પણ લાગે આસપાસ તું સાજન

દૂર રહે ત્યારે પણ લાગે આસપાસ તું સાજન
મારા દિલની ધડકન મારી તિવ્ર પ્યાસ તું સાજન

– રીનલ પટેલ

સ્વર : ડો ફિરદોશ દેખૈયા

સ્વરાંકન : ડો ફિરદોશ દેખૈયા

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ

Comments Off on ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ

 

 

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું

બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે

ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશી
[ સહિયારી રચના ]

સ્વર : રવિન નાયક

@Amit Trivedi