તને ઓળખું છું, મા !

Comments Off on તને ઓળખું છું, મા !


મનોહર ત્રિવેદી

 

 

તને ઓળખું છું, મા !
સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે,ખમ્મા !
ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,

ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,
મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં

તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે
પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે
દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં

ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?
સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા
તને ઓળખું છું, મા !

– મનોહર રતિલાલ ત્રિવેદી

હૃદય વિરાજે તુલસીમાલા

Comments Off on હૃદય વિરાજે તુલસીમાલા

નરસિંહ (એક શબ્દચિત્ર )

 


 

હૃદય વિરાજે તુલસીમાલા
હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
હરિ વ્હાલારે….. હરિજન વ્હાલા……
ચૌદ ભુવન મંડળ ઘૂમરાતા સ્થિર મૂરત ચિરકાલા
મહારાસ માંડયો વ્રેમાંડે, પ્રગટી હસ્ત-મશાલા
તાલ, ઠેક, તાલી, આવર્તન,

ગાવત મેઘ વાજત જપતાલા
હરિવ્હાલા રે….. હરિજન વ્હાલા……
આર્દ્ર ભાવ, રસભીનું ભીતર, મુખ શ્રીનામ, સબૂરી
પદ, અર્ચન, તૂરિયા, ખટદર્શન મધ્ધે નહી કોઈ દૂરી
તું વહેતી કિરતન ઘનધારા
તું જ પ્રેમપદારથ હાલા

હરિ વ્હાલા રે….. હરિજન વ્હાલા
હૃદય વિરાજે તુલસીમાલા
હાથ ગ્રહી રુમઝુમ કરતાલા
હરિ વ્હાલા રે….. હરિજન વ્હાલા

– સંજુ વાળા

સ્વર : પ્રિતી ગજ્જર
સ્વરાંકાન : ડો ભરત પટેલ

શું ખોલું ? શું મુંદુ નેણાં ?

Comments Off on શું ખોલું ? શું મુંદુ નેણાં ?

 

 

શું ખોલું ? શું મુંદુ નેણાં ?
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં !

કનક-જવાહીર લગીર ન ચાહું
મનસા મુક્તિ વિષય નિરીચ્છ
બહુ બડભાગી મળે મુકુટમાં,
સ્થાન જરા થઈ રહેવા પિચ્છ

હું ‘ને હરિવર, મિત પરસ્પર, એક બીજાં પર ઝરીએ ઝેણાં !
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં !

હરિ ચરણોની રજ હું મુઠ્ઠી
વલ્લભ પરસ ભયો હિતકારી
‘સૂર’: કહાં પાઉ, કયા ગાઉ ?
જનમ જનમ જાઉં બલિહારી

રઢ લાગી એક નામ સુમિરન, ભેદ નહિ કોઈ દિન વાં રેણાં !
પલકવાર નવ અળગો જાણું નિસદિન વાજત હિરદે વેણાં !

– સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા

સ્વરાંકન : ડો ભરત પટેલ

માંડવાની જૂઈ !

Comments Off on માંડવાની જૂઈ !

 

 

અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !

કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !

કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ !

– જિતુભાઈ મહેતા

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ,આશિત દેસાઈ ,પાર્થિવ ગોહિલ
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો

Comments Off on લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો

 

 

લેવા ગયો જો  પ્રેમ  તો  વહેવાર  પણ  ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર  પણ  ગયો.

એની  બહુ   નજીક   જવાની   સજા   છે  એ,
મળતો હતો જે   દૂરથી સહકાર   પણ   ગયો.

રહેતો   હતો  કદી   કદી   ઝુલ્ફોની   છાંયમાં,
મારા નસીબમાંથી  એ   અંધકાર  પણ  ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો  આભાસ  હો   ખુદા,
દોઝખમાં કોઈ એવો  ગુનેગાર   પણ   ગયો ?

એ    ખુશનસીબ  પ્રેમીને  મારી  સલામ  હો,
જેનો સમયની સાથે  હ્રદયભાર  પણ   ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર  હક  નથી  હવે,
એવુંય  કંઈ  નથી  કે  અધિકાર   પણ   ગયો.

સાકી છે સ્તબ્ધ  જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા   સાથે    કામથી પાનાર   પણ ગયો.

કેવી     મજાની    પ્રેમની    દીવાનગી   હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો   સમજદાર  પણ  ગયો

-‘મરીઝ’

સ્વરઃ ઉદય મઝુમદાર
સ્વરાંકન : ઉદય મઝુમદાર

Older Entries Newer Entries

@Amit Trivedi