તડકો   છાંયો    રમતાં    રમતાં

No Comments

 

 

 

 

તડકો   છાંયો    રમતાં    રમતાં સાંજ પડી ગઈ
અંધારા અજવાળા પીતા-પીતા, રાત ઢળી ગઈ

ભર બપોરે કોના પગરવ  ભીના    ભીના   લાગે
મનમાં કેવા રુમઝુમ રુમઝુમ ઝીણા ઝાંઝર વાગે
અધખુલ્લા હોઠોની વચ્ચે વચ્ચે વાત  સરી  ગઈ

પીળી  પીળી ડાળ  ઉપર     વાસંતી    ટહુકા   સાંધ્યા
ઝાકળભીનાં પાન   વચાળે   મબલખ   મોતી   ટાંક્યા
અલ્લપ ઝલ્લપ આ જાત જુઓ રળિયાત બની  ગઈ

લાગણીઓની છાંયા લઈને બાંધ્યો છે એક  માળો
ઝરમર ઝરતી   વાદળીઓનો  કેમ કરવું સરવાળો
હસતાં રમતાં  વ્હાલપની  સોગાત   મળી   ગઈ

– પ્રફુલ્લા વોરા

સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન : ડો ભરત પટેલ

તમારા રૂપની રેલાય છે મૌસમ..

No Comments

 

 

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

– ડો મુકુલ ચોક્સી

સ્વર : મેહુલ સુરતી
સ્વરાંકન : મેહુલ સુરતી

સફળતા જીંદગીની

No Comments

 

 

સફળતા    જીંદગીની,    હસ્તરેખામાં   નથી     હોતી,
ચણાયેલી    ઈમારત   એના   નકશામાં   નથી   હોતી…

સુભાગી છે સિતારા   કે   ગણતરી   થાય    છે   એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ   ગણનામાં  નથી   હોતી…

મને દીવાનગી મંજૂર    છે   આ    એક    બાબત   પર,
મહોબ્બતની મજા  તમને   સમજવામાં   નથી    હોતી…

તમે મારાં  થયાં    નહિ    તોય   મારાં   માનવાનો   છું,
કમી સચ્ચાઈમાં હોય   છે,   ભ્રમણામાં   નથી   હોતી…

વધુ હસવાથી  આંસુ    આવતાં    જોઈને    પૂછું   છું,
અસર એનાથી  ઊલટી    કેમ   રોવામાં   નથી   હોતી?

હવે   આથી    વધુ શું   ખાલી હાથે    દિન વિતાવું હું?
કે મારી જીંદગી પણ  મારા   કબજામાં   નથી    હોતી…

ન શંકા રાખ કે  મારી    ગરીબી    બહુ   નિખાલસ  છે,
છે એ એવી   દશા   જે  કોઈ   પરદામાં   નથી    હોતી…

ધરાવે   છે   બધા   મારા જ  પ્રત્યે   સંકુચિત     માનસ,
જગા મારે જ   માટે જાણે     દુનિયામાં     નથી   હોતી…

કોઈ   આ   વાતને      સંજોગનો સ્વીકાર    ના    માને,
જગતની   સૌ  ખુશી  મારી     તમન્નામાં    નથી   હોતી…

મને   છે    આટલો     સંતોષ    દુનિયાની      બુરાઈનો,
વિકસવાની તો   શક્તિ    કોઈ    કાંટામાં   નથી   હોતી…

બધે મારાં   કદમની     છાપ    ના   જોયા   કરે   લોકો,
કે મંઝિલ   મારી   મારા   સર્વ    રસ્તામાં   નથી   હોતી…

મળ્યો    છે    સૌને  જીવનમાં સમય   થોડોક તો સારો,
ફિકર     પોતાની     કોઈનેય    નિદ્રામાં   નથી    હોતી…

બીજા તો   શું મને    અંધકારમાં    રાખીને     છેતરશે?
કે મારી જાત   ખુદ    મારીય    છાયામાં    નથી  હોતી…

ગઝલમાં એ જ કારણથી હું   મૌલિક હોઉં   છું ‘બેફામ’
પીડા   મારાં   દુ:ખોની   કોઈ   બીજામાં    નથી   હોતી

– બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : ધનાશ્રી પંડિત

 

કાગળના કોડિયાનો

No Comments

 

 

 

 

કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?,
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ, પછી ટહૂકાથી દૂર કેમ રહીએ?

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે ને એનો છેડો ભીંજાય સુકી રાખમા,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું વરદાન મળે બળતા વૈશાખમાં,
બળવું જો કાજળની હોડી થઈ જાય, ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ.
કાગળના કોડિયાનો….

શ્વાસોની સળીયુંને ભેગી મેલીને કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન, એમ યાતનાને રંગ ફૂટે કાળો,
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ, ત્યારે મરવાથી દૂર કેમ રહીયે.
કાગળના કોડિયાનો….

– રવિન્દ્ર પારેખ

સ્વર : આલાપ દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

પાંદડું કેવી રીતે પીળું થયું

No Comments

 

 

 

પાંદડું   કેવી   રીતે   પીળું      થયું    કોને    ખબર ?
એટલે    કે   ઝાડ   માંથી શું    ગયું    કોને   ખબર ?

શહેર   પર   ખાંગી   થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશીખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી  આમ  કાં   ઢોળાય   છે   તારાં સ્મ્રણ્ ?
એને મારું એક મન ઓછું પ  ડ્યું ?   કોને   ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી  નહેરો   તારા   ચહેરાની   સત્ત,
ને   સવારે   આંખમાંથી   શું   વહ્યું ?   કોને ખબર ?

માછલીએ એકદા  જળને   પૂછ્યું, તું   કોણ   છે ?
એનો ઉત્ર શોધવા જળ ક્યાં   ગયું,   કોને   ખબર ?

મેં  અરીસાને   અમ્સ્તો   ઉપલક   જોયો,   ‘રમેશ’,
કોણ  એમાંથી મને   જોતું    રહ્યું,   કોને   ખબર ?

– રમેશ પારેખ

સ્વર : અનિકેત ખાંડેકર

… વ્હાલ વાવી જોઈએ

No Comments

 

 

 

ચાલને,   માણસમાં  થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ   થઈ   વેલા   ટકાવી   જોઈએ.

બસ   બને તો   એક  દીકરાને મનાવી જોઈએ,
એ રીતે   ઘરડાં ઘરો  ખાલી   કરાવી   જોઈએ.

કેવી   રીતે જળ  અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી  દીકરી ઘરથી   વળાવી   જોઈએ.

કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ,  દોસ્ત,
એકબીજાના   ખભે   એને  ચલાવી   જોઈએ.

બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં  હરાવી   જોઈએ.

– ગૌરાંગ ઠાકર

સ્વર : વિભુ જોષી
સ્વરાંકન : વિભુ જોષી

ડંખે છે દિલને

No Comments

 

 

ડંખે છે દિલને કેવી, એક અક્ષર  કહયા વિના,
રહી જાય છે જે વાત,સમય પર કહયા વિના…

ઊર્મિ પૃથક પૃથક છે, કલા છે    જુદી  જુદી,
સઘળું કહી રહ્યો છું, વિધિસર   કહ્યા  વિના…

કેવા  જગતથી    દાદ. મેં   માંગી    પ્રકાશની,
હીરાને જે રહે  નહીં,   પથ્થર   કહ્યા   વિના…

લાખો સિતમ ભલે હો, હજારો  જુલમ ભલે,
રહેવાય છે ક્યાં આપને  દિલબર કહ્યા  વિના…

– મરીઝ

સ્વર : નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની

જરા અંધાર નાબૂદીનો

No Comments

 

 

જરા  અંધાર   નાબૂદીનો,   દસ્તાવેજ  લઇ આવ્યો;
અરે! લો આગિયો, સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.

’તમે છો’ એવો ભ્રમ, ફિક્કો ન  લાગે  એટલા   માટે,
તમારી શક્યતામાં, બસ હું થોડો ભેજ લઇ  આવ્યો.

હતો   મર્મર   છતાં  પર્ણો, અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી, મહેંકની સેજ લઇ આવ્યો.

પ્રથમ ટપકું શું છાતીમાં, પછી  તો  મેઘધનુષ  આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં, હું   એ  જ લઇ આવ્યો.

– શોભિત દેસાઇ

સ્વર : આલાપ દેસાઈ

નિસ્બત છે અમારે ધરતીથી

No Comments

 

 

 

 

નિસ્બત છે અમારે ધરતીથી, તુજ   સ્વર્ગનું   વર્ણન    કોણ   કરે ?
ઘર-દીપ    બુઝાવી   નાંખીને,    નભ-દીપને   રોશન  કોણ    કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી   વધુ   મુજ    કિસ્મતનું,   સુંદર   અનુમોદન  કોણ  કરે ?

વીખરેલ   લટોને      ગાલો   પર, રહેવા દે  પવન,   તું    રહેવા  દે
પાગલ   આ    ગુલાબી  મોસમમાં, વાદળનું  વિસર્જન કોણ કરે ?

આ   વિરહની  રાતે   હસનારા, તારાઓ    બુઝાવી   નાખું   પણ,
એક   રાત   નિભાવી   લેવી   છે, આકાશને     દુશ્મન  કોણ  કરે ?

જીવનની   હકીકત  પૂછો    છો ?   તો  મોત   સુધીની રાહ જુઓ
જીવન તો  અધૂરું   પુસ્તક    છે, જીવનનું    વિવેચન. કોણ   કરે ?

લાગે   છે    કે    સર્જક  પોતે  પણ કંઇ શોધી  રહ્યો  છે દુનિયામાં
દરરોજ   નહિતર   સૂરજને,    ઠારી    ફરી   રોશન  કોણ    કરે ?

– સૈફ પાલનપુરી

સ્વર અને સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુન્શી   

 

 

અમારા તડપવાનું

No Comments

 

 

અમારા તડપવાનું   કારણ સ્મરણ છે;
અને રોજ  મરવાનું કારણ  સ્મરણ છે.

નથી આગ    જેવું    કશું   જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ  સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો   બન્યું  રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ   સ્મરણ છે.

બધું સર્વસામાન્ય   છે   એ    ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ  સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

સ્વર : સૌનક પંડયા

સ્વરાંકન : સુનીલ રેવર

Older Entries

Contact Us On WhatsApp @Amit Trivedi