અમારા તડપવાનું

Comments Off on અમારા તડપવાનું

 

 

અમારા તડપવાનું   કારણ સ્મરણ છે;
અને રોજ  મરવાનું કારણ  સ્મરણ છે.

નથી આગ    જેવું    કશું   જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ  સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો   બન્યું  રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ   સ્મરણ છે.

બધું સર્વસામાન્ય   છે   એ    ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ  સ્મરણ છે.

-પ્રમોદ અહિરે

સ્વર : સૌનક પંડયા

સ્વરાંકન : સુનીલ રેવર

ફુલ કેરા સ્પર્શથી

Comments Off on ફુલ કેરા સ્પર્શથી

 

 

ફુલ કેરા સ્પર્શથી  પણ    દિલ  હવે   ગભરાય છે,
એને રુઝાયેલા    ઝખ્મો યાદ  આવી    જાય  છે,

કેટલો   નજીક   છે  આ     દુરનો    સંબંધ  પણ,
હું હસું  છું એકલો   એ    એકલા   શરમાય   છે.

કોઈ     જીવનમાં    મરેલા    માનવીને   પુછજો,
એક  મૃત્યૃ   કેટલા   મૃત્યૃ   નિભાવી  જાય    છે.

આ  વિરહની   રાત   છે   તારીખનું   પાનું   નથી,
અહીં દિવસ બદલાય તો આખો યુગ બદલાય છે.

એક    પ્રણાલીકા   નિભાવું છું, લખું છું  ‘સૈફ’ હું,
બાકી   ગઝલો   જેવું જીવન હવે ક્યાં જીવાય છે

– ‘સૈફ’ પાલનપુરી

સ્વર : ધનાશ્રી પંડિત
સ્વરાંકન :પુરૂષોત્તમ ઉપાધ્યાય

આવ્યાં હવાની જેમ

Comments Off on આવ્યાં હવાની જેમ

 

 

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં !’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન,એ ઘટા,એ ઘૂંટ, સહુ સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં!

– રાજેન્દ્ર શુકલ

સ્વર : બંસરી ભટ્ટ
સ્વરાંકન : હરેશ બક્ષી

બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

Comments Off on બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

 

 

બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

હું મૂઇ રંગે શામળી ને લાડ માં બોલવા જઉં,
હાલતાં ચાલતાં બોલ વ્હાલપના પરણ્યાજીને કઉં.
બાઇજી! તારો બેટડો મુંને કોયલ કહીને પજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

જરાક અમથી ભૂલ ને પછી પરણ્યો મારે મ્હેણું,
આંસુનાં ઝરણાંની સાથે ભવનું મારે લેણું.
બાઇજી! તારો બેટડો મારી આંખે ચોમાસું ઊજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં ખીજવે.

મોલ ભરેલા ખેતરમાં નહીં પતંગિયાનો પાર,
નજરું નાં અડપલાંનો છે મહિમા અપરંપાર !
બાઇજી! તારો બેટડો મારા ગાલ ને છાના ભીંજવે!
બાઇજી! તારો બેટડો મુંને ઘડી ઘડીમાં રીઝવે !

– લાલજી કાનપરિયા

સ્વર :અનાલ કઠિયાર
સ્વરાંકન : દક્ષેશ ધૃવ

મને એવી રીતે કઝા યાદ આવી,

Comments Off on મને એવી રીતે કઝા યાદ આવી,

મને એવી     રીતે. કઝા    યાદ   આવી,
કોઈ   એમ    સમજે  દવા  યાદ  આવી.

નથી કોઈ દુ:ખ  મારા    આંસુનું  કારણ,
હતી  એક   મીઠી   મજા   યાદ   આવી.

જીવનના કલંકોની જ્યાં વાત    નીકળી,
શરાબીને     કાળી    ઘટાા  યાદ  આવી.

હજારો      હસીનોના     ઈકરાર.  સામે,
મને  એક   લાચાર    ‘ના’  યાદ   આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને     મારીી  પ્રેમાળ  મા  યાદ   આવી.

કબરના  આ   એકાંત,  ઊંડાણ, ખોળો,
બીજી   કો   હુંફાળી જગા  યાદ આવી.

સદા   અડધે   રસ્તેથી   પાછો  ફર્યો છું,
ફરી એ  જ ઘરની  દિશા   યાદ   આવી.

કોઈ અમને ભૂલે  તો   ફરિયાદ   શાની!
’મરીઝ’   અમને કોની સદા યાદ આવી?

-’મરીઝ’

સ્વર: જગજીત સિંહ

Newer Entries

@Amit Trivedi