ચાલને ચૈત્રની ચાંદની રાતમાં

No Comments

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ
લહરી ઢળકી જતી
વનવનોની કુસુમ સૌરભે મત્ત છલકી જતી
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી
સ્વૈર પથ એહનો ઝાલીએ

ચાલીએ ચાલીએ
ચાલીએ ચાલીએ ચાલીએ
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

વિરહ સંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો
અવનિના ગ્રીષ્મ હૈયા પરે પ્રસરી કેવો રહ્યો
ચંદ્રશાળા ભરી ઊછળે આંગણામાં ઢળે
પેલી કેડી પરે
લલિત વનદેવી સેંથા પરે ઝગમગે
દૂર સરવર પટે
મંદ જળના તરંગો પરે તગતગે
અધિક ઉજ્જ્વળ કરંતો જ
તુજ ભાલને ગાલને
સોમ એ હૃદયભર પી ઘડી મ્હાલીએ

ચાલીએ ચાલીએ
ચાલીએ ચાલીએ ચાલીએ
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ

-ઉમાશંકર જોશી

સ્વર :અજિત શેઠ અને નિરુપમા શેઠ
સ્વરાંકન :અજિત શેઠ

હવેલી બંધાવી દઉં…

No Comments

હવેલી બંધાવી દઉં હરિ તારા નામની
ધજાઓ ફરકાવી દઉં શ્રીજી તારા નામની

રેતીએ પ્રેમની લાવી હુંતો લાવી સ્નેહની ઈંટો
રેડી મેં લાગણીઓને ચણાવી છે ભાવની ભીંતો
દિવાલો રંગાવી દઉં ગોકુળિયા ગામની
ધજાઓ ફરકાવી દઉં શ્રીજી તારા નામની

માનવતણાં હૈયેમાં બોલાવ્યા છે મેં દેવોને
સતસંગને અપનાવીને છોડી મેં કુટેવોને
હૃદયમાં કંડારી દઉં મુરત શ્રીનાથની
ધજાઓ ફરકાવી દઉં શ્રીજી તારા નામની

-ભરત ભટ્ટ ‘તરલ’

સ્વર :પ્રહર વોરા
સ્વરાંકન : દત્તાત્રય દાંડેકર

હે ઈ ચાંગા…. રાજેન્દ્ર શાહ

No Comments

હે ઈ ચાંગા, શુકર, બોમાન, શાની !
ભરતી આવી ભૂર, હો ભૂરાં
અલબેલાનાં ઊછળે પાણી,
હે ઈ રે હેલા આ..ય
ભરકાંઠાનાં જળ તે આપણ
જાળમાં બાંધ્યાં જાય.

ખારનો સાગર ખેડીએ, માછી!
રોજ ઋતુ, રોજ મોલ;
આજની મ્હેનત આજ ફળે,
નહિ કાલનો લેવો કોલ.
રે હેલા હે ઈ રે હેલા આ…ય,
ભરકાંઠાનાં જળ આપણ
જાળમાં બાંધ્યાં જાય.

લીજીએ એથી અદકાં આવે
બૂમલાં આપણ બેટ,
દુનિયાનાં કંઈ લાખ જણાનું
ભરીએ પોકળ પેટ;
રે હેલા હે ઈ રે હેલા આ…ય,
ભરકાંઠાનાં જળ તે આપણ
જાળમાં બાંધ્યાં જાય.

સૂંડલા ભરી જાય રે આપણ
સોન-મઢી ઘરનાર,
આંખમાં એની ઊછળે
જોવનજળની ઘેઘૂર ઝાર,
એ હેલા હે ઈ રે હેલા આ…ય.
ભરકાંઠાનાં જળ તે આપણ
જાળમાં બાંધ્યાં જાય.

ન્હૈં મોતી, ન્હૈં ધોતી, કેવળ
કેડનું રેશમ ચીની,
ઘરદુવારે ભરજુવાળે
કાય રહે રત ભીની,
રે હેલા હે ઈ રે હેલા આ….ય,
ભરકાંઠાનાં જળ તે આપણ
જાળમાં બાંધ્યાં જાય

-રાજેન્દ્ર શાહ

સ્વર : અજિત શેઠ અને નિરૂપમા શેઠ
સ્વરાંકન : અજિત શેઠ

નૈન ચકચુર છે

No Comments

નૈન ચકચૂર છે, મન આતુર છે,
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.

કદી સીધી, કદી વાંકી, નજર રાખી જીગરને ઘર,
તમે જાતે જ આવ્યા છો, અમારા દિલની અંદર,
હવે ક્યાં દૂર છે, મળ્યાં જ્યાં ઉર છે,
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.
નૈન ચકચૂર છે..

છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે,
ઘુંઘટમાં વીજળીને કંથ રમતો મોર છે,
મળ્યો તંબુર છે, જથમ નો સૂર છે,
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.
નૈન ચકચૂર છે..

-અવિનાશ વ્યાસ

સ્વર : શબ્બીર કુમાર અને દિપિલી સોમૈયા
સ્વરાંકન :અવિનાશ વ્યાસ

તારા મુખની લાવણતા મીઠી

No Comments

તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વનમાળી,
એવી ત્રિભુવનમાં નવ દીઠી રે, મૂરતિ મરમાળી…

ચટક રંગીલા તારા મોળીડાને છેડે, મનડું ડોલે છે કેડે કેડે રે…
રંગડો જામ્યો છે ફૂલડાને તોરે, ભમરા ભમે છે ચહુ કોરે રે…

ભાલ તિલક કેસર કેરું રાજે, મુખ જોઈ શશિયર લાજે રે…
બ્રહ્માનંદ કહે સર્વસ્વ વારું, રૂપ જોઈને વહાલા તારું રે…

સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

Older Entries

@Amit Trivedi