અરજ વિનવણી

Comments Off on અરજ વિનવણી

અરજ વિનવણી આજીજી ?
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

તમે કહો તે ઓઢું – પહેરું, તમે કહો તે સાચું
મધ – કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું
તમ કાજે લ્યો ! વસંત વેડું તાજી જી !
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

ઝાકળનાં પાથરણે પાડું, સુગંધની ખાજલીયું
વ્હાલપથી નિતરતી રસબસ બંધાવું છાજલીયું
હરખે હરખે હારું રે ભવબાજી જી !
શું કરીએ કઈ રીતે રહેશો રાજી ? જી !

-સંજુ વાળા

સ્વર : પિયુ સરખેલ- ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો ભરત પટેલ

ભરી દે ભરી દે

Comments Off on ભરી દે ભરી દે

ભરી દે ભરી દે ભરી દે
કોઈ ભિક્ષુકની ઝોળી ભગવંત… ꠶ટેક

જીવ તો તારું એક રમકડું 
નિમિત્ત બને છે રૂડું ભૂંડું
આશિષનું એક અમૃત બિંદુ
ઝરી દે ઝરી દે ઝરી દે…

તું તરણાની ઓથે ડુંગર
તું છું સત્યમ્ શિવં સુન્દરમ્
મધ્ય મહેરામણ કોઈની હોડી
ડૂબતી પાર કરી દે…

-અવિનાશ વ્યાસ

સ્વરઃ વૃંદ ગાન
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ

Comments Off on ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ

ધેનુકાની આંખોમાં જોયા મેં શ્યામ હે એના રૂંવે રૂંવે વાંસળી વાગે !
ધેનુકાની ધાબળીમાં ઝૂલે ગોકુલ એની વાંસળીમાં ગોપીઓ ઘેલી,

પારિજાત પાથરીને રુકમણીજી બેઠાં ને રાધિકા તો ઝૂલતી ચમેલી !
હે મનગમતું મોરપિચ્છ લ્હેરાતું જાય અને પોઢેલા જમુનાજી જાગે !

ધેનુકાની આસપાસ ખુલ્લો અવકાશ એના રથમાં બેઠા છે મારા સારથિ,
ગીતાનો સાદ સૂણી ઓસરે વિષાદ એના અંતરમાં આનંદની આરતી !
હે ધેનુકાને ધબકારે ઓધવજી ઝૂલે ને મીરાં એના મોહનને માંગે !

– સુરેશ દલાલ

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

@Amit Trivedi