આખું ચોમાસું તેં મોકલ્યું

Comments Off on આખું ચોમાસું તેં મોકલ્યું

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં
ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડયું ટલ્લે.

છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું;
ખુલ્લા થયા ને તો યે કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોકાતું;

વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદિ,છાંટા ન પામવા જવલ્લે-
હવે મારું ભીંજાવું ચડવું ટલ્લે.

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હો તતો,
કલરવનો ડાક્યિો દેખાયો હોત – કાશ મારું ય સરનામું ગોતતો;

વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત, ગૂંજે ભરો કે ભરો ગલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

-સંદીપ ભાટિયા.

સ્વરઃ પ્રહર વોરા
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ

સૌજન્ય : સંજય રાઠોડ, સુરત

કદાચ કાલે તમારે માથે પડે

Comments Off on કદાચ કાલે તમારે માથે પડે

કદાચ કાલે તમારે માથે, પડે જગતને ઉઠાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે,
ધરાથી લઈને ગગન સુધીનું, તમારે અંધારું ખાળવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

કળી કળીને ફૂલો બનાવી, સુગંધ એમાં પછી ઉમેરી, અને તમારે ઉપરથી અહીંયાં,
બધાં જ પંખીની ચાંચ માટે, કશુંક ચણવા ઊગાડવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

સૂરજ સમયસર ઉગાડવાનો, અને સમયસર ડુબાડવાનો, નહીં કરો તો નહીં જ ચાલે,
અને બીજું કે તમારે સાંજે, ગગનને રંગોથી રંગવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

દરેક બાળકના સ્મિતમાં જઈ, દરેક માતાની આંખમાં રહી, તમારે હાજર થવું જ પડશે,
પછી તમારે બધાંની અંદર,વહાલ થઈને રહી જવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

પ્રથમ તમારે હવા ને અહીંયાં, બનાવવાની છે શ્વાસ સૌનો,પછીથી શ્રદ્ધા જિવાડવાની,
તમે જ બોલો થશે બધું આ, નહીં તો છોડો પ્રભુ થવાનું, પ્રભુ તો લાંબી રજા ઉપર છે.

-ગૌરંગ ઠાકર

સ્વર : સૌમિલ મુનશી
સ્વરાંકનઃ શ્યામલ સૌમિલ મુનશી

@Amit Trivedi