મનવા ! ખોલ તિમિરનાં તાળાં

Comments Off on મનવા ! ખોલ તિમિરનાં તાળાં

 

મનવા ! ખોલ તિમિરનાં તાળાં,
તારી આંખોમાં ડોકાતાં અનહદનાં અજવાળાં;
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

વસંત આવી, વેણુ વાગી,
કોયલ બોલી બોલ સુહાગી,
નિમિલિત નેણાં કેમ નિરખશે ખીલ્યાં ફૂલ રૂપાળાં ?
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

અખૂટ ખજાનો છે સાંચવણે,
એની વેદના વેણ શું વરણે ?
મધરાતે મનડાને મળતાં ઝડ ઝરડાં ને જાળાં.
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.

કારીગરનો સાથ કરી લે,
ચાવી એની હાથ કરી લે,
તાળાં તૃષ્ણાનાં ખૂલતામાં અજવાળાં અજવાળાં !
મનવા ! ખોલ તિમિરનાં તાળાં

-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’

સ્વરઃ ગાર્ગી વોરા
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ

સૌજન્ય : પ્રણય વસાવડા

 

દર્દને ગાયા વિના

Comments Off on દર્દને ગાયા વિના

દર્દને ગાયા વિના રોયા કરો,
પ્રેમમાં જે થાય છે જોયા કરો.

બીક લાગે કંટકોની જો સતત,
ફૂલનો સુંઘો નહીં જોયા કરો.

કેમ આવ્યા આ જગે રડતા તમે?
જિંદગી આખી હવે રોયા કરો.

લ્યો હવે ‘કૈલાસ’ ખુદને કાંધ પર,
રાહ સૌની ક્યાં સુધી જોયા કરો?

– કૈલાસ પંડિત

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

@Amit Trivedi