નમતું દીઠું નેણ-તરાજૂ

Comments Off on નમતું દીઠું નેણ-તરાજૂ

નમતું દીઠું નેણ-તરાજૂ,
ઓછું અદકું કોણ કરે અબ થોડું ઝાઝૂં

સવા વાલનું પલ્લુ ભારી
હેત હળુવાળીથી હળવા પળમાં તો ગોવર્ધન ધારી
લોક અવાચક ધારી ધારી નિરખે ઊભું આજૂ બાજૂ

અક્ષય પર અક્ષય ઓવારી
આપે આપ ઊભા પરવારી કોણ રહ્યું કોના પર વારી?
આઘું ઓરું કોણ કરે અબ સાવ અડોઅડ હું જ વિરાજૂ

-રાજેન્દ્ર શુક્લ

સ્વરઃ અમર ભટ્ટ
સ્વરાંકન :અમર ભટ્ટ

મ્હેંકનો મૃદુ ભાર..

Comments Off on મ્હેંકનો મૃદુ ભાર..

 

 

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં !

– રાજેન્દ્ર શુકલ

સ્વર : બંસરી યોગેન્દ્ર
સ્વરાંકન : હરેશ બક્ષી

@Amit Trivedi