તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો
Jul 15
ગઝલ Comments Off on તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો
કલ્પક ગાંધી
તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો,
દૃશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો.
બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે,
મોસમનો રંગ કેટલો મીઠ્ઠો બની ગયો !
પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં,
મારા સમયના મોરનો ટહુકો તૂટી ગયો.
આકાશ આમતેમ વીખરાઈ જાય પણ,
એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.
એકાંતનો પરિચય કૈં એ રીતે થયો,
સૂનકાર તારી યાદની જેમ જ ઊગી ગયો !
– શ્યામ સાધુ
સ્વર : કલ્પક ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી