તમારા નયનમાં એક સ્વપ્નું થઈને

Comments Off on તમારા નયનમાં એક સ્વપ્નું થઈને

 

 

તમારા નયનમાં એક સ્વપ્નું થઈને
મને સંતાઈ જાતાં નહિ વાર લાગે
તમારા ચરણની નીચે કુસુમ થઈને
મને ચગદાઈ જાતાં નહિ વાર લાગે

આંખેથી પૂછ્યું તે આંખેથી કહેવાની
કરશો નહિ જો તમે મહેરબાની
તમે મહેરબાની
તો તમારા કલાપે એક ગજરો થઈને
મને ગૂંથાઈ જાતાં નહિ વાર લાગે
નહિ વાર લાગે

મારી જ મહેફીલમાં મારાથી દૂર રહી
નર્તન કરો છો બીજા કોઈ સામે
તમારા આ નૂપુરનું
તમારા આ નૂપુરનું ઘુંઘરું થઈને મને
બંધાઈ જાતાં નહિ વાર લાગે
નહિ વાર લાગે

ચંપો થઈને તમારા ચમનમાં
મનમાં તમન્ના છે મહેકી જવાની
અરે મહેકી જવાની
પણ તમારા
આ ઘૂંઘટનો એક નિસાસો થઈને
મને રૂંધાઈ જાતાં નહિ વાર લાગે
નહિ વાર લાગે

અમે દિલ દીધું તમે દિલ દઈ દ્યો
નહિ દ્યો તો થાશે શું એ પણ કહી દઉં
કે તમારા આ પાલવનો છેડો થઈને
મને ચૂંથાઈ જાતાં નહિ વાર લાગે
નહિ વાર લાગે નહિ વાર લાગે

તમારા નયનમાં એક સ્વપ્નું થઈને
મને સંતાઈ જાતાં નહિ વાર લાગે

સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર

Comments Off on થાંભલીનો ટેકો ને ઓસરીની કોર

 

 

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
કણબીની છોકરીએ પાળ્યો રે મોર
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે

એણે પાંચીકા અમથા ઉલાળ્યાં
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યાં
કાળજળું કાચું ને રેશમનો ભાર
એલઘેલ પાંપણમાં નવસેરો હાર
હાર ઝૂલ્યા કરે, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે

થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
કણબીની છોકરીએ પાળ્યો રે મોર
મોર ટહુકા કરે, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે

મોરપીંછાની વાત પછી ઊડી
છેક સાતમે પાતાળ જઈ બૂડી
ઉગમણી કેડી ને આથમણાં ગીત
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત
ભીંત ઝૂલ્યા કરે, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે

સ્વરઃ વિરાજ-બીજલ ઉપાધ્યાય

ગીતઃ વિનોદ જોશી

સંગીતઃ દક્ષેશ ધ્રુવ

Newer Entries

@Amit Trivedi